Tuesday 24 May 2016

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક વિદ્વાન છે હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ. અમેરિકા અને કેનેડામાં સ્થાયી બિન નિવાસી ભારતીય શિક્ષિત મુસ્લિમોની સંસ્થા "અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ફ્રોમ ઇન્ડિયા" દ્વારા ૧૧,૧૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ સાંતા ક્લારા, સાંફ્રાન્સીસકો (અમેરિકા)માં મળેલ વાર્ષિક અધિવેશનમાં ભારતના નાગપુર નિવાસી બહુશ્રુત વિદ્વાન મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ (૧૯૨૨-૨૦૦૭)ને "ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા"ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને એ એવોર્ડ એનાયત કરવાનું નિમંત્રણ પાઠવતા આયોજકોએ પત્રમાં લખ્યું હતું,

"કુરાન અને હદીસનું જ્ઞાન આમ સમાજ માટે સુલભ કરવાનું આપનું સમર્પિત મહાકાર્ય  પ્રશંસનીય છે. ભારતીય નાગરિકો, વિશેષતઃ મુસ્લિમ સમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે આપની પ્રતિબદ્ધતા ઉદાહરણીય છે. શિક્ષણમાં, ખાસ કરીને મહિલા શિક્ષણમાં, દીની-દુન્વયી ઉભય શિક્ષણોને સાંકળી લઈને આગેકુચ કરવા માટેનો આપનો આગ્રહ નવજીવન બક્ષનારો છે. મઝહબી તેમજ બીજા ક્ષેત્રોમાં આપની ગણના પાત્ર સિધ્ધિઓને લક્ષમાં લઈને "એફમી"ની કારોબારી કમીટી અને વાર્ષિક અધિવેશન સમિતિએ એનો પ્રતિષ્ઠિત "ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયા" એવોર્ડ (ભારતનું ગૌરવ) આગામી અધિવેશનમાં આપને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે."

ભારત સરકારે પણ તેમની ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજની ખિદમત (સેવા) માટે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના પ્રજાસત્તાક દિને "પદ્મ ભૂષણ" નો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું છે.

ભારતના આવા બહુશ્રુત વિદ્ધાન હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ અંગે હઝરત મૌલાના સૈયદ અબુલ હસન અલી નદવી લખે છે,

"પવિત્ર કુરાનની નિતાંત સેવા કરનારાઓમાં એક નામ પ્રિય અલહાજ મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબનું પણ છે, તેમની દીર્ઘકાલીન સેવાના કારણે ઇસ્લામના નિષ્ઠાવાન પ્રચારક તથા કુરાનના આવાહકના રૂપમાં સૌ તેમને  ઘણા લાંબા સમયથી ઓળખે છે અને તેમની તકરીરો (પ્રવચનો)નો લાભ ઉઠાવે છે. ભારત જેવા વિશાળ દેશમાં મુહતરમ મૌલાના પારેખ સાહેબના "દરસે કુરાન" (કુરાનના પાઠો)એ મુસ્લિમ નવજવાનો તથા આજના શિક્ષિત યુવા દેશબંધુ વર્ગને ઘણા પ્રભાવિત કર્યા છે. અને તેમનામાં દીન (ઇસ્લામ)નો શોખ તથા કુરાનનું આકર્ષણ પૈદા કર્યું છે. મુહતરમ મૌલાના સાહેબ પોતાના વ્યવસાય તથા કારોબારની જવાબદારીઓ સંભાળવા ઉપરાંત આજે પણ આ દીની ખિદમતને અંજામ આપી રહ્યા છે."

હઝરત મૌલના અબ્દુલ કરીમ પારેખ સાહેબ વ્યવસાયે વેપારી હતા. નાગપુર (મહારાષ્ટ્ર)માં તેમનો ઇમારતી લાકડાનો મોટો વેપાર હતો. આજે પણ તેમના પુત્ર એ વેપાર સંભાળી રહ્યા છે. પણ વેપાર સાથે તેમના વાંચન, લેખનના શોખે તેમને વિદ્વાન આલીમ બનાવ્યા હતા. ઉર્દૂ, અરબી, ફારસી, હિંદી, મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, સિંધી અને સંસ્કૃત ભાષાઓ પર તેમનું એક સરખું પ્રભુત્વ હતું. હિંદુ, ખ્રિસ્તી, યહુદી, બૌદ્ધ, જૈન, શીખ અને ઇસ્લામ ધર્મના તેઓ ઊંડા અભ્યાસુ હતા.ઇસ્લામમાં તેમનું મોટું પ્રદાન તેમના ઇસ્લામિક ગ્રંથો અને તકરીરો અર્થાત વ્યાખ્યાનો છે. એક માનવીય અને પરિવર્તનશીલ મુસ્લિમ તરીકે આજે પણ તેમના ઇસ્લામ અંગેના અભિપ્રયો આલિમો અને મુસ્લિમ સમાજમાં વજનદાર ગણાય છે.

ઇસ્લામ વિષયક તેમણે કુલ ૧૭ ગ્રંથો લખ્યા છે. જેમાં મુખ્યત્વે તશરીહુલ કુરાન (કુરાનનો સંપૂર્ણ અનુવાદ અને તેનું વિવરણ) જે ઉર્દૂ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. તફસીર ખજાના, આસાન લુગાતુલ કુરાન, કૌમે યહુદી ઔર હમ (કુરાન કી રોશની મેં), બહનો કી નજાત, હજ કા સાથી, ગાય કા કાતિલ કૌન ઔર ઈલ્ઝામ કિસ પર ?, મદહે રસૂલ (સલ), મોમીન ખવાતીન ઔર કુરાન, પારઃ અમ્મા, જાદુ કા તોડ, તલીમુલ હદીસ, આયાતે શીફા, દુઆ એ હિફાઝત અને હજ કે પાંચ દિન. આ તમામ ગ્રંથોનો એકથી વધુ ભાષાઓમાં અનુવાદ થયેલા છે. આ ઉપરાંત યુ ટ્યુબ પરના તેના ઇસ્લામક વ્યાખ્યાનો જેવા કે ઇસ્લામ મેં ઔરત કા હક્ક,

તૌબા કયા હૈ ?, ઈમાનવલે કી સિફાત, શાદી બ્યાહ મેં ગલત રસ્મે, ચાર નિકાહ તીન તલાક, હદીસ શરીફ કા તારૂફ  જેવા વ્યાખ્યાનો આજે પણ મુસ્લિમ અને ગૈર મુસ્લિમ બંને સમુદાયને માર્ગદર્શન આપતા રહે છે.

તેમનો બહુ જાણીતો ગ્રંથ "આસાન લુગાતુલ કુરાન" તો આજે પણ આમ મુસ્લિમ સમાજ અને આલીમોમાં કુરાનના શબ્દોના આધારભૂત સરળ શબ્દકોશ તરીકે જાણીતો છે. લુગાતુલ શબ્દ અરબી કે ઉર્દૂ ભાષાનો છે. તેનો અર્થ થાય છે "શબ્દ કોશ". કુરાને શરીફના શબ્દોના આ સરળ શબ્દ કોશનું સૌ પ્રથમ પ્રકાશન ૧૯૫૨ માં થયું હતું. એ પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની આજ દિન સુધી ચાલીસ આવૃતિઓ પ્રગટ થઇ ચુકી છે. આ ઉપરાંત હિન્દી, મરાઠી, બંગાલી, તુર્કી અને અંગ્રેજીમાં તેનું ભાષાંતર પણ થયું છે. જેનું ગુજરાતી ભાષાંતર જનાબ અબ્દુલ કાદીર ફતીવાલાએ કરેલ છે. કુરાને શરીફના આયાતોના ક્રમ મુજબ તેમાં આવતા અરબી શબ્દોના ઉચ્ચારો અને તેના અર્થને દર્શાવતા આ કોશના ગુજરાતી અનુવાદ અંગે  લેખક ખુદ લખે છે,

"વાચકોની સહૂલત માટે કિતાબને ચાર વિભાગોમાં વિભાજીત કરીને એની વિસ્તૃત અનુક્રમણિકા પણ શરૂમાં આપવામાં આવી છે. મુસલમાનો પોતાના દૈનિક જીવનમાં અતિ ઉપયોગી અને જિંદગીમાં જરૂરી સૂરતો અને દુવાઓ તેના મૂળ અરબી મતન, તેના શબ્દાર્થો અને ગુજરાતી ભાષાંતર સહીત એમાં ઉમેરવામાં આવ્યા છે. એનાથી એની નમાઝ અને દુવાઓમાં ઇન્શાલ્લાહ જાન પડશે. અને ખુશૂઅ તથા ખુઝુંઅ (એકાગ્રતા અને તન્મયતા)

માં વધારો થશે. ગુજરાતી અનુવાદમાં વ્યાકરણના પાંચ પરિશિષ્ઠો ઉમેરવામાં આવ્યા છે. વ્યાકરણમાં આપેલા સ્વાધ્યાયોના જવાબો પણ અલગ અલગ વિભાગ બનાવી આપ્યા છે. જેથી જાતે અભ્યાસ કરનાર પોતાના જવાબો એની સાથે મેળવી શકે" 

એજ રીતે મૌલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબે કરેલ કુરાને શરીફનો ગુજરાતી અનુવાદ પણ તારીફે કાબિલ છે. જેણે ગુજરાતી ભાષામાં કુરાને શરીફનો અભ્યાસ કરવા ઇચ્છતા ગુજરાતી મુસ્લિમોને કુરાને શરીફની આયાતોનો સાચો અર્થ અને તેનું વિવરણ જાણવામાં ભારે સહાય કરી છે. આવા બહુશ્રુત વિદ્વાનનું ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ ૮૫ વર્ષની વયે નિધન થયું. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી વિલાસ રાવ દેશમુખે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું,

"તેઓ ભારતની બિનસાંપ્રદાયિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા"



Tuesday 25 March 2014

પ્રાર્થના : ખુદા સાથેનો સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ


 
૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું.  ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચારો પર પાંચે-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,

"મહાદેવ, મારો મંત્રી જ મારા વિચાર ન માને તો પછી બીજા પાસે શું અપેક્ષા રાખું ? અને પ્રાર્થના કોઈ મુરતની નથી હોતી. મુરત તો પ્રતિક છે. આપણે પ્રાર્થના તો ઈશ્વરની કરીએ છીએ. એ માટે કોઈ મંદિર કે મસ્જિતમાં જવાની જરૂર નથી"

હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે. પણ બંનેનો આઘ્યાત્મિક અર્થ એક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વર સાથે ભાવનાત્મક સંવાદ. મોટે ભાગે સંવાદમાં દુ:-દર્દ દૂર કરવાની આજીજી હોય છે. મનની મુરાદોને પામવાની તમન્ના હોય છે. ખુદાને રાજી કરવાની કોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર પ્રાર્થના કે દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.
હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. તેમાં લખ્યું હતું,

"તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?"
હજરત મહંમદ પયગમ્બર (..) ફરમાવ્યું છે,

"દુવા (પ્રાર્થના) ઇબાદત (ભકિત) છે."

હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે,

 "અલ્લાહને તે બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે."
જો કે ઈશ્વર કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

"તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો."
ઇસ્લામી
ગ્રંથોમાં દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ આપવામાં આવ્યો છે. મુજબ નમાજ માટે અઝાન થાય પછી દુવા માગો. અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો. ફર્ઝ, નમાજ પછી દુવા માગો. કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો. આબેઝમઝમના આચમન પછી દુવા માગો.
કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો. ઉપરાંત હજયાત્રાએ જતા હાજી સાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (..)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માંગવી જોઈએ. સ્થાનોમાં દુવા માંગવાથી તે અવશ્ય કબૂલ થાય છે.
દુવાના સ્થળ જેટલી મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, પણ ઇસ્લામ ગ્રંથોમાં સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય. દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને કરો. દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો. હેસિયતથી વધુ દુવા માગો. દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો. દુવા યકીન, વિશ્વાસ સાથે કરો. દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે. સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.
દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાની-મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા માગો.
દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે. કેટલીક દુવાઓ તે સમયે કબૂલ થઈ જાય છે. કેટલીક દુવાઓ સમય પાકયે કબૂલ થાય છે. કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.
કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.

ટૂંકમાં દુવા કે પ્રાર્થના ખુદા-ઈશ્વર સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો બનાવો. દુવા કે પ્રાર્થના માટે સ્થળ, સમય કે રીતે એકાગ્રતા કેળવવા માટે હોય છે. જો તમે એ વગર પણ ખુદા સાથે એકાગ્રતા સાધી શકતા હો તો સ્થળ, સમય કે રીતે ગૌણ છે. અંતે તો ખુદા-ઈશ્વર તેના બંદાને  આપવા તત્પર હોય છે, બસ બાઅદબ અને એકાગ્રચિત્તે માગનારની જરૂર છે.